એ શૈશવના શમણાં એ સંસ્મરણોની વાત
સમય સરકતી રેત જેવો દડદડ વહેતો આજ. મોકળા મને સમજાય એ અતિતની એવી યાદ.
સર્જન, વિસર્જન, નવસર્જનના પૈડા પર ગાડી કેવી ચાલે ફાસ
ઘર સમીપે વિશ્રાંતિ ફરી વળી રાત ગઈ તિમિર તૂટ્યું, મોંસૂઝણાની વેળા રૂડું ઉગશે પ્રભાત હાશ…
હા ટાઈમ મશીનની શોધ થશે ત્યારે ત્યારની વાત. પરંતુ સંસ્મરણો તો હમેશા આલાલીલા રહેતા હોય છે. વાત એ સમયની છે જ્યારે ટેકનોલોજીએ એટલી પ્રગતિ કરી ન હતી.. આજે દુનિયામાં નેનો ટેકનોલોજીમાં સમાય ગઈ છે.. એ સમયે હજુ મોબાઇલ સેલનો ઉપયોગ ભારતમાં થતો ન હતો ભારતીય સંચાર વ્યવસ્થા ટેલીગ્રામ અને દોરડાવાળા ટેલીફોનથી ચાલતી હતી. એ સમયે કેમેરાના કસબીઓની અથાગ મહેનતના પરિપાક રૂપે ભૂતકાળની એ ઘડીને કેમેરાના કચકડે મઢવામાં આવતી.
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકૂળના એ અતિત કાળને આજે પાંત્રીસ થી ચાલીશ વર્ષ થયા
હશે. એ યાદોં અને સંસ્મરણો આ ૨૦૨૪ ના છેલ્લા દિવસે વાગોળતાં વાગોળતાં.
સતત ગતિમાન સંસારચક્રને આપણે આપેલુ ચોક્કસ નામ એટલે કાળ, સમય. આઈન્સ્ટાઈનના મત મુજબ સ્થળ સમય સ્વતંત્ર નથી પણ પદાર્થનો ધર્મમાત્ર છે.
સમય …હા ! સમય..
વ્યવસ્થાના ભાગ રૂપે ભલે આપણે એના તારીખ મહિના વર્ષમાં ટુકડા કરીએ..પણ એ તો છે અખંડ..અવિનાશી …અવિરત વહેતો ઘસમસતો પ્રવાહ છે. થોડા જ કલાકો પછી કાળના આ પ્રવાહમાં વર્ષ ૨૦૨૪ વિલીન થઈ જશે ફરી પાછો એ જ સમય ૨૦૨૫ વર્ષનું નામ ધારણ ઘડિયાળના કાંટાની આંગળી ઝાલી લેવા તૈયાર બેઠો છે, સમયના પ્રવાહમાં કેટલાય એવા પડાવ આવે છે જે મનને હમેશા ઢંઢોળતાં રહે છે.
તો કેટલાય એવા સાથી મિત્રો, સગાંસંબંધીઓ કે પરિચિતો એ સમયના વહેણ સાથે ક્યાંય દૂર જતાં રહે છે.તો વળી નવા ચહેરા સાથે પરિચય પણ કેળવાય છે. ટૂંકમાં સમયની સારણી તો ગતિશીલ છે અને સંવેદના અને સંસ્મરણો ચિરંજીવી.
બિપીન પાંધી સાવરકુંડલા