અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે.
પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ દોઢ દિવસમાં 3,000 એકર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમનાં ઘર છોડવા પડ્યાં હતાં. રિપોર્ટ મુજબ, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે.
લોસ એન્જલસ પ્રશાસને સમગ્ર શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમનાં ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે.

