ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ અને ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ખેલાડીઓ સામે કડક વલણ અપનાવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બોર્ડે આ હારને ગંભીરતાથી લીધી છે અને ખેલાડીઓ માટે કડક નિયમો બનાવ્યા છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ ખેલાડી કે સ્ટાફ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને કડક સજા થશે.
બીસીસીઆઈએ ઘરેલુ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે. ટીમમાં પસંદગી ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. આ માટે ભારતીય બોર્ડે કુલ ૧૦ નિયમ બનાવ્યા છે. બીસીસીઆઈના નિયમ અનુસાર, ભારતીય ખેલાડીઓએ ચોક્કસપણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. ભારતીય ટીમમાં ખેલાડીઓની પસંદગી પણ આના આધારે થશે. બીસીસીઆઈ ઇચ્છે છે કે આ ઝુંબેશ સિનિયર અને જુનિયર ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો બનાવે જેથી ટીમ અને ક્રિકેટનું વાતાવરણ સારું બને.
જાે કોઈ ખેલાડી કોઈ કારણોસર ઘરેલુ ક્રિકેટ રમવા માંગતો નથી, તો તેણે બીસીસીઆઈને આ અંગે જાણ કરવી પડશે અને ચેરમેન ઓફ સિલેકશન કમિટી પાસેથી પરવાનગી લેવી પડશે. ઘરેલુ ક્રિકેટ રમવા ઉપરાંત ખેલાડીઓએ પોતાની ફિટનેસ પણ જાળવી રાખવી પડશે. દરેક ખેલાડીએ ટીમ સાથે મુસાફરી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓ તેમના પરિવાર સાથે મુસાફરી કરી શકશે નહીં. જાે આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક સજા કરવામાં આવશે. જાે તેને તેના પરિવાર સાથે અથવા અલગથી મુસાફરી કરવી પડે, તો તેણે ચેરમેન ઓફ સિલેકશન કમિટી પાસેથી મંજૂરી લેવી પડશે. મુસાફરી દરમિયાન કોઈપણ ખેલાડી વધારાનો સામાન લઈ જઈ શકશે નહીં.
જાે તમારા સામાનનું વજન વધુ હશે તો તમારે તેનો ખર્ચ જાતે ચૂકવવો પડશે. બીસીસીઆઈએ વજન અને સામાન માટે અલગ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. બીસીસીઆઈએ એક કડક નિયમ પણ બનાવ્યો છે કે હવે દરેક ખેલાડીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર રહેવું પડશે. કોઈપણ ખેલાડી પ્રેક્ટિસ સેશન વહેલું છોડી શકશે નહીં. સીરિઝ અથવા ટુર્નામેન્ટ દરમિયાન તમારે ટીમ સાથે એક સ્થળથી બીજા સ્થળે મુસાફરી કરવી પડશે. ભારતીય બોર્ડે ખેલાડીઓ વચ્ચેના બંધન માટે આ નિયમ બનાવ્યો છે.
ખેલાડીઓને હવે સીરિઝ અને વિવિધ પ્રવાસ દરમિયાન પર્સનલ શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન કોઈપણ ખેલાડી જાહેરાત કરી શકશે નહીં. ખેલાડીઓનું ધ્યાન બીજે ન ભટકે તે માટે બોર્ડે આ ર્નિણય લીધો છે. જાે કોઈ ખેલાડી ૪૫ દિવસ માટે વિદેશ પ્રવાસ પર રહે છે, તો તેની પત્ની અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો બાળક શ્રેણીમાં બે અઠવાડિયા માટે તેની સાથે રહી શકે છે. આ દરમિયાન બીસીસીઆઈ તેમના રોકાણનો ખર્ચ ઉઠાવશે પરંતુ બાકીનો ખર્ચ ખેલાડીએ ભોગવવાનો રહેશે.

