Gujarat

10 હજાર રૂપિયા માટે પિતા-પુત્રએ જડેશ્વર પાર્ક વિસ્તારમાં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

જામનગર શહેરમાં પૈસાની લેતી-દેતીના મામલે એક રિક્ષા ચાલક યુવાનની હત્યા કરવામાં આવી છે. હર્ષદમીલની ચાલી પાછળ પટેલનગરમાં રહેતા 27 વર્ષીય સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઇમની ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં હર્ષદમીલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણે મૃતક યુવાનના ગળા અને છાતીના ભાગે છરીના બે ઘા મારી હત્યા નીપજાવી હતી. ઘાયલ યુવાનને જીજી હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સબીરભાઈએ જયરાજસિંહ દરબાર નામના રિક્ષા ચાલકને 10,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. આ રકમ પરત મેળવવા માટે બોલાવેલી મુલાકાત દરમિયાન પૈસાની લેતી-દેતીને લઈને તકરાર થઈ હતી, જેમાં આરોપી પિતા-પુત્રએ હુમલો કરી દીધો હતો.

મૃતકની પત્ની અક્ષાબેનની ફરિયાદના આધારે સિટી એ. ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 54 અને જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડી.વાય.એસ.પી જે.એન. ઝાલા અને પીઆઇ નિકુંજ ચાવડાની આગેવાનીમાં પોલીસ ટીમ ફરાર થયેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે.