Gujarat

વર્ષ ૨૦૨૪માં રાજકોટ સિવિલની વિક્રમી ૧૦ લાખથી વધુની ઓ.પી.ડી.

સૌરાષ્ટ્રભરના અબાલ-વૃદ્ધ દર્દીઓની આરોગ્યની દરકાર કરતી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ

૧૬૦૦ બેડની હોસ્પીટલમાં ૫૦ હજારથી વધુ સર્જરી સાથે ૧.૨૨ લાખ લોકોને ઇન્ડોર સારવાર

  • ૩૫ લાખથી વધુ લેબ ટેસ્ટ,૩૪ હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા
  • સિવિલમાં આઈ.સી.યુ.ના ૨૦૫ બેડ સહીત કુલ ૧૬૧૮ બેડની કેપેસીટી
  • ૧૪ સુપર સ્પેશિયાલિસ્ટ,૨૭૩ સ્પેશિયાલિસ્ટ,૪૮૨ રેસિડન્ટ ડોક્ટર્સ સેવાર્થે
  • ૯૦ મેડિકલ ઓફિસર્સ,૭૩૩ નર્સિંગ સહીત અન્ય ૧૫૦૦ જેટલો સહાયક સ્ટાફ      

સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂરિયાતમંદ લોકોના આરોગ્યના હિતાર્થે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આરોગ્યલક્ષી જન સુવિધાર્થે શહેરી, ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાના વ્યાપ સાથે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યો છે. જેના પૂરક રૂપે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ૨૪X૭ સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે.

   

રાજકોટ સિવિલ પ્રતિ વર્ષ અનેક વિક્રમો સ્થાપી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૪માં ૧૦ લાખથી વધુની ઓ.પી.ડી. સારવાર સાથે ૧.૨૨ લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પુરી પાડી લાઈફ લાઈન સાબિત થઈ છે. જેમાં જરૂરી ૫૦ હજારથી વધુ નાની – મોટી સર્જરી પણ સામેલ છે.

આ અંગે વિગત આપતા સિવિલ  અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું છે કે, રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર – સુશ્રુષા માટે આવતા હોય છે. અહીં ૨૪ કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. રોજની સરેરાશ ૩ હજારથી વધુની ઓ.પી.ડી. સહીત વર્ષ દરમ્યાન કુલ ૧૦ લાખ ૫૫ હજારથી વધુની ઓ.પી.ડી. રહે છે. જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરૂરિયાત મુજબ દવા અને અન્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જે પૈકી જરૂરિયાત મુજબ દર્દીઓને રોગની આગળની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં ૧ લાખ ૨૨ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જેમાં વિવિધ શાખામાં થઈ મેજર ૧૪,૫૬૩ અને માઇનોર ૩૭,૭૦૫ જેટલી સર્જરી પણ સામેલ છે.

રાજકોટ સિવિલ ખાતે દર્દીની સારવાર માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. વર્ષ દરમ્યાન ૩૫ લાખ ૭૫ હજારથી વધુ બ્લડ, યુરીન સહિતના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ૩૪ હજારથી વધારે એક્સ-રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૩,૧૪૪ સીટી સ્કેન  અને ૧૦,૪૦૪ એમ.આર.આઈ. પણ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ સાથે સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતા અને બાળ વિભાગ કાર્યરત છે. જેમાં વર્ષ દરમ્યાન ૧૦ હજારથી વધુ પ્રસૂતા મહિલાઓની ડીલેવરી કરવામાં આવી છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ ખાતે ૨૧ હજાર થી વધુ દર્દીઓને વર્ષ ૨૦૨૪માં સારવારનો લાભ મળ્યો છે.

અહીં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટક્ચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ, ઓપરેશન થીએટર, ડાયાલીસીસ સહીત ઇન્ડોર સેવા પુરી પાડવામાં આવે છે.

બેડની વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.ની વિવિધ કેટેગરીના કુલ ૨૦૫ બેડ મળીને સિવિલ ખાતે કુલ ૧,૧૧૮ બેડ જ્યારે મહિલા અને ચાઈલ્ડ વિભાગના ૫૦૦ બેડ મળીને કુલ ૧,૬૧૮ બેડની ઇન્ડોર સારવારની કેપેસીટી છે.

*સિવિલ ખાતે આઈ.સી.યુ. બેડ સુવિધા*

આઈ.સી.સી.યુ ૧૦, એસ.આઈ.સી.યુ. ૧૦, એમ.આઈ.સી.યુ. ૧૦, ન્યુરો આઈ.સી.યુ. ૧૦, પી.આઈ.સી.યુ. ૨૪+એચ.ડી.યુ. ૨૪+૨૭, એન.આઈ.સી.યુ. ૯૦, ઓ.બી.આઈ.સી.યુ.+એચ.ડી.યુ ૧૦+૧૪ મળી કુલ આઈ.સી.યુ બેડ ૨૦૫

*સિવિલ ખાતે સ્પેશીયાલીટી ઉપલબ્ધ સેવાઓ*

ઈમરજન્સી વિભાગ, મેડીસીન વિભાગ, રેડીયોલોજી વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી વિભાગ, દાંત વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, આંખ વિભાગ, ટી.બી અને ચેસ્ટ વિભાગ, સ્કીન વિભાગ, એનેસ્થેસિયોલોજી વિભાગ, આયુર્વેદિક અને હોમીયોપેથીક (OPD), કસરત વિભાગ

*સિવિલ ખાતે સુપર સ્પેશીયાલીટી સેવાઓ*

પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પીડીયાટ્રીક સર્જરી, નેફ્રોલોજી અને ડાયાલીસીસ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જરી, ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટર

*સિવિલ ખાતે સેવારત તબીબી સ્ટાફ*

સુપર સ્પેશિયાલિસ્ટ ૧૪, સ્પેશિયાલિસ્ટ ૨૭૩, રેસિડન્ટ ૪૮૨ ડોક્ટર્સ, ૯૦ મેડિકલ ઓફિસર્સ, ૭૩૩ નર્સિંગ, અન્ય સહાયક ૪૦૧ સહીત ૧૧૦૦થી વધુ સંલગ્ન સ્ટાફ

રાજકોટ સિવિલ ખાતે સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર, નિદાનાર્થે આવે છે તેના માટે અનેકવિધ સુવિધાઓ પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના દિશાનિદર્શનમાં સેવાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ કેમ્પસ અદ્યતન સ્વરૂપે સેવા આપવા કટિબદ્ધ છે.