સ્વચ્છતા, સારવાર અને સહયોગની ત્રિવેણી સમાન ’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ’ વિંગ પ્રસૂતા મહિલા અને નવજાત બાળની સંભાળમાં એક કદમ આગળ
• ટ્રાએજ, ઓ.પી.ડી., લેબ. ટેસ્ટ, મમતા કાર્ડ અને કાઉન્સેલિંગ સેન્ટર, દવાબારીનો એક જ સ્થળેથી લાભ લેતા ૬૨ હજાર મહિલા દર્દીઓ..
• લેબર રૂમ, સિઝેરિયન કક્ષ, આઈ.સી.યુ. સહીત દાખલ ૪,૨૬૮ દર્દીની મેજર સર્જરી
• એનિમિયા, બીપી, એકલેમસિયા, પ્રીમેચ્યોરીટી પ્રેગ્નન્સી, ડાયાબિટીસ, હાર્ટ, લીવર, કિડની, જટીલ ડિલિવરી, એપિલેપસી સહિત હાઈ રિસ્ક ધરાવતા ૩૦ ટકા દર્દીઓની સારવાર
• ન્યુ બોર્ન કોર્નર, મિડવાઈફ કેર, લેપ્રોસ્કોપી, સ્ત્રી રોગ સારવાર સહિતના અલગ યુનિટ..
• ‘રિસ્પેક્ટફુલ મેટરનિટી કેર’ દ્વારા ‘પોઝિટિવ બથીંગ’ અનુભૂતિ કન્સેપ્ટ સાથે સિંગલ વિન્ડો સિસ્ટમ
હોસ્પિટલના પ્રાંગણમાં પ્રવેશતા જ આંખોને ઠંડક આપતી સ્વચ્છતા, સાઈન બોર્ડ, વેલ ડ્રેસ મદદનીશ, દર્દીઓને બેસવા સોફા, સુઘડ બેડ, અનુશાસન સહિતનું સુગમ વાતાવરણ જોવા મળે તો તે કોઈ ખાનગી હોસ્પિટલ જ હોઈ તે માનવું ભૂલ ભરેલું છે. સરકારી હોસ્પિટલમાં આજ પ્રકારે અનુભૂતિ કરવી હોઈ તો રાજકોટની નવા રૂપ, રંગ સાથે તૈયાર કરાયેલી માતૃત્વ અને બાળ કેર (એમ.સી.એચ.) વિભાગની ઝનાના હોસ્પિટલમાં પ્રવેશો તો આ જ સકારાત્મક અનુભવ થાય.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન્સ મુજબ અહીં આવનાર દરેક પ્રસૂતાઓ ‘રિસ્પેક્ટફુલ મેટરનિટી કેર’ દ્વારા ‘પોઝિટિવ બથીંગ’ અનુભૂતિ સાથે બહાર જાય તે પ્રકારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગાયનેક વિભાગ તૈયાર કરવામાં આવ્યો હોવાનું ગાયનેક વિભાગના હેડ અને પ્રાધ્યાપક ડો. કમલ ગોસ્વામી જણાવે છે.
ખાનગી હોસ્પિટલની જેમ વૈશ્વિક ધારાધોરણ મુજબ માતૃત્વ ધારણ કરનાર સગર્ભાને સંપૂર્ણ સાથ સહકાર અને ન્યુનતમ તકલીફ સાથે સ્વસ્થ બાળકને જન્મ આપે તે પ્રકારે સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે વિભાગ કાર્યરત હોવાનું ડો. ગોસ્વામી જણાવે છે.
સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાની અધ્યક્ષતામાં પી.ડી.યુ. મેડીકલ કોલેજ ડીન ડો. ભારતી પટેલના, સિવિલ આર.એમ.ઓ., રેસીડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફના સહયોગથી આ પ્રકારની સિસ્ટમ મેનેજમેન્ટના પરિણામે માત્ર ગ્રામીણ જ નહીં પરંતુ શહેરી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં પણ ઝનાના હોસ્પિટલની માંગ સતત વધી રહી છે.
રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ક્રીટીકલ દર્દીઓ અહીં આવતા રોજની સરેરાશ ૩૦થી વધુ ડીલેવરી સાથે વર્ષ ૨૦૨૪માં ૧૦ હજારથી વધુ નવજાત બાળકોના જન્મ થયા છે. જ્યારે ગત જાન્યુઆરી માસમાં ૯૭૫ ડીલેવરીના કેસ કુશળ રીતે હેન્ડલ કરવામાં આવ્યા છે. એનિમિયા, હાઇબીપી, એકલેમસિયા, પ્રીમેચ્યોરીટી પ્રેગ્નન્સી ડાયાબિટીસ, હાર્ટ, લીવર, કિડની, જટીલ ડિલિવરી, એપિલેપસી સહિત હાઈ રિસ્ક ધરાવતા ૩૦ ટકા જેટલા દર્દીઓની સારવાર અહીં પ્રતિ વર્ષ કરવામાં આવે છે. ગત વર્ષે ૬૨,૨૨૭ જેટલા ઓ.પી.ડી. કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતાં. જ્યારે દાખલ મહિલા દર્દીઓની કુલ મળીને ૪,૨૬૮ જેટલી સર્જરી પણ કરવામાં આવી હોવાનું ડો. ગોસ્વામીએ જણાવ્યું છે.
અહીં દાખલ દર્દીઓને પૌષ્ટિક ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.
સ્ત્રી રોગ માટે અલગ વિભાગ છે. ગર્ભાશયને લગતી સર્જરી માટે અલગ ઓપરેશન થીએટર છે. લેપ્રોક્સ્કોપી વિભાગમાં મહિલા નસબંધીના ઓપરેશન કરી આપવામાં આવે છે. ગત વર્ષે અહીં કુલ ૩,૭૦૦ જેટલી મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.
એમ.સી.એચ. બિલ્ડીંગ ગાયનેક વિભાગની વિશેષતા
આજના સમયની માંગ ધ્યાને લઈ માતા અને બાળકના સ્વાથ્યની દરકાર કરતો મહિલા અને ચાઈલ્ડ કેર વિભાગ એક જ વિંગમાં આવરી લેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ પ્લસ ૧૧ માળની આ હોસ્પિટલમાં ગાયનેક તેમજ પીડિયાટ્રિક વિભાગ કાર્યરત છે. ગાયનેક વિભાગ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ઇમર્જન્સી સારવાર માટે ૬ બેડનો ટ્રાયેઝ વિભાગ છે. આગળ જતા ત્રણ કેસ બારી છે. રજીસ્ટ્રેશન બાદ ઓ.પી.ડી. માટે લો રિસ્ક અને હાઈ રિસ્ક બે અલગ સેક્શન છે. ઓ.પી.ડી. દરમ્યાન પ્રસૂતાના કાઉન્સેલિંગ માટે માતા અને બાળકની કેર અંગે જરૂરી માર્ગદર્શન અપાય છે. ઓ.પી.ડી.માં તપાસ બાદ જરૂરી બ્લડ ટેસ્ટ માટે લેબ ઉપલબ્ધ છે, આજ ફ્લોરમાં આગળ વધતા મમતા કાર્ડમાં એન્ટ્રી બાદ અલગ એક્ઝિટ અને દવા બારી પર તેઓને જરૂરી દવાનું વિતરણ કરવામાં આવે છે.
આશરે ૩૫૦ બેડની ગાયનેક હોસ્પિટલમાં જુદા જુદા ફ્લોર પર જરૂરી સેવા પુરી પાડવામાં આવે છે. પ્રથમ માળે ૨૫ બેડનો લેબર રૂમ -‘નવજીવન કક્ષ’ (પ્રસુતિ વિભાગ) છે. જ્યાં ડીલેવરી બાદ નવજાત બાળક અને માતાને જરૂરી સારવાર પુરી પાડવામાં આવે છે. પ્રસુતિ નોર્મલ થાય તે માટે ખાસ ડિઝાઇન કરેલ ૪ બેડનો મિડવાઈફરી નવજીવન કક્ષ છે. જ્યાં પ્રસૂતાને નોર્મલ ડીલેવરી થાય તે માટે જરૂરી કસરત, મસાજ ટ્રેઈન્ડ નર્સ દ્વારા કરવામાં આવે છે. હાઈ રિસ્ક ડીલેવરી માટે સિઝેરિયન કક્ષ છે. ડીલેવરી દરમ્યાન અતિ ગંભીર પરિસ્થિતમાં સગર્ભા માતાની સઘન સારવાર માટે ૧૦ બેડનો આઈ.સી.યુ અને ૧૪ બેડનો એચ.ડી.યુ. વિભાગ છે. અહીં જરૂરી સ્પેશિયાલિટી ડોક્ટર્સની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત પાંચમા માળે અનુ પ્રસુતિ અને પૂર્વ પ્રસુતિ માટે અલાયદા ચાર વોર્ડ ઉપરાંત દર્દીઓને સોનોગ્રાફી અને બ્લડ તપાસ, અનેસ્થેસિયા વિભાગ, રેડીયોલોજી લેબ, બ્લડ સુવિધા ઉપલબ્ધ છે.
સગર્ભા માતા અને બાળ મૃત્યુ દર ન્યુનતમ બને તે માટે રાજ્ય સરકાર આરોગ્યલક્ષી અનેકવિધ પગલાંઓ લઈ રહી છે. તેઓને સુગમ, સઘન સારવાર પ્રાપ્ત થાય તે માટે રાજકોટની નવી ઝનાના હોસ્પિટલમાં માતા અને બાળને એક જ સ્થળે સ્નેહસભર સારવાર ઉપલબ્ધ કરવામાં આવે તે પ્રકારે તૈયાર કરાયેલી એમ.સી.એચ. વિંગ રાજકોટ સિવિલનું ગૌરવ છે.
આલેખન : રાજકુમાર