ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડીનો ફિરોઝાબાદમાં ભયાનક અકસ્માત થયો હતો. આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર સામે ઉભેલા વાહન સાથે ગાડી અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. અકસ્માત બાદ બધા ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બુધવારે સવારે લગભગ ૪ઃ૩૦ વાગ્યે ફિરોઝાબાદના શિકોહાબાદમાં બન્યો હતો. મહાકુંભમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓની ગાડી પ્રયાગરાજથી દિલ્હી પરત ફરી રહી હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ અકસ્માત બાબતે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. કાર અને પાર્ક કરેલા વાહન વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે ગાડીના ટુકડા થઈ ગયા હતા.
આ ભયાનક અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલા રૂપા દેવીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે કાર ચાલકને ઝોકું આવી ગયું. જેના કારણે કાર સામે ઉભેલા વાહન સાથે અથડાઈ ગઈ. તેમણે કહ્યું કે અમને સમજાયું નહીં કે શું થયું. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં ૩૫ વર્ષીય કુણાલ, ૪૫ વર્ષીય રણજીત અને ૨૦ વર્ષીય પ્રેમલતા કુમારીનો સમાવેશ થાય છે. ઘાયલોમાં ૨૩ વર્ષીય માધવ, ૪૦ વર્ષીય રૂપા દેવી અને ૪૦ વર્ષીય રીતા દેવીનો સમાવેશ થાય છે. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે તેમજ ફરાર ડ્રાઇવરની પણ શોધ કરી રહી છે.
શ્રદ્ધાળુઓની ગાડી અને રસ્તા પર ઊભેલા વાહન વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે ગાડીમાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ટ્રોમા સેન્ટરમાં મોકલ્યા હતા. જે બાદ ડોક્ટરોએ જણાવ્યું હતું કે ત્રણેયની હાલત ગંભીર છે.

