Gujarat

પગની મદદથી બનાવેલા રામમંદિરના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો, કાર્યક્રમ પછી રૂબરૂ બોલાવી હાલચાલ પૂછ્યા

સુરતમાં શુક્રવારે(7 માર્ચે) નીલગિરિ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા. બે હાથ ન હોવા છતાં પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઈન્ટિંગ બનાવતો ચિત્રકાર રામમંદિર અને મોદીનું પેઈન્ટિંગ બનાવી લાવ્યો હતો.

જેને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. સાથે સિક્યોરિટીને કહ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેને મળવા આવે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબરઅંતર પૂછ્યા હતા. મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે.

PM મોદીએ મનોજના પેઈન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો.

મનોજ ભિગારે, જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યો છે. પરંતુ, કુદરતે આપેલી પેઈન્ટિંગની કળા આજે પણ અકબંધ છે. મનોજ પોતાના બે પગ અને મોઢાની મદદથી અદભુત પેઈન્ટિંગ બનાવે છે. ભૂતકાળમાં મનોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ચૂક્યો છે. શુક્રવારે પણ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં અયોધ્યાના રામમંદિર અને વડાપ્રધાનનું પેઈન્ટિંગ બનાવી તે પહોંચ્યો હતો.

મનોજ ભિગોરેએ રામમંદિર અને મોદીનું પેઈન્ટિંગ બનાવ્યું.

નીલગિરિ મેદાનમાં સભા સ્થળ પર વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ખુલ્લા વાહનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. આ સમયે જ પેઈન્ટિંગ સાથે ઊભેલા મનોજ પર વડાપ્રધાનની નજર પડતા જ તે ઓળખી ગયા હતા અને પોતાના કાફલાને રોકાવ્યો હતો. ત્યારબાદ સિક્યોરિટીને કહી મનોજ પાસેથી પેઈન્ટિંગ લઈ તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો.