ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ ગાંધીનગરમાં શરૂ થયો છે. આ કાર્યક્રમ 17થી 20 માર્ચ દરમિયાન ટાઉનહોલ અને ગોપાલક વિદ્યા સંકુલમાં યોજાશે. સ્પર્ધામાં ઉત્તર ઝોન, મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતના લગભગ 4000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લોકનૃત્ય સહિત 37 વિવિધ કલા કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, 2017થી શરૂ થયેલા આ કાર્યક્રમમાં 6થી 60+ વર્ષના કલાકારો ભાગ લે છે. સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા સુધી યોજાય છે.

તાલુકા કક્ષાએ 14, જિલ્લા કક્ષાએ 23, પ્રદેશ કક્ષાએ 30 અને રાજ્ય કક્ષાએ 37 કૃતિઓનું આયોજન કરવામાં આવે છે. દરેક પ્રદેશ કક્ષાએથી પ્રથમ ત્રણ વિજેતાઓ રાજ્યકક્ષા માટે પસંદગી પામે છે. રાજ્યકક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.


