Gujarat

શહેરમાં અવરોધમુક્ત ફૂટપાથ બનાવવા AMCની તૈયારી

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુવિધા, સુગમતા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામત અને અવરોધમુક્ત ફૂટપાથ નેટવર્ક વિકસાવવાની દિશામાં વ્યાપક આયોજન કર્યું છે. શહેરના વિવિધ માર્ગો, જંક્શનો અને વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં દબાણો મુક્ત અને આરામથી લોકો ચાલી શકે તેવા આધુનિક ફૂટપાથ બનાવવામાં આવનાર છે.

બાળકો, દિવ્યાંગોને સરળતા રહે તેવી ડિઝાઈનિંગ થશે શહેરના વિવિધ ચાર મોટા જંક્શન, ઇન્ટરસેક્શન, બસ સ્ટોપ, બિલ્ડિંગ પ્રવેશદ્વારો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને પણ સતત ફૂટપાથ સાથે સંકલિત કરવામાં આવશે. ફૂટપાથ પર ગેરકાયદે દબાણો, યુટિલિટી બોક્સ, સાઇનબોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર, બાંધકામ સામગ્રી અને અન્ય અવરોધોને યોગ્ય રીતે ખસેડીને રાહદારીઓ માટે અવરોધમુક્ત ચાલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ખાસ કરી બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સરળતાથી ઉપયોગી બને તે રીતે ફૂટપાથનું ડિઝાઇનિંગ કરવામાં આવશે. દિવ્યાંગજનો અને દૃષ્ટિબાધિત નાગરિકોને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સ્થળોએ ટેક્ટાઈલ પેવિંગ (Tactile Paving)ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફૂટપાથ પર કોઈ થાંભલા કે અવરોધ નહીં હોય આ આયોજન અંતર્ગત ફૂટપાથ પર ઓછામાં ઓછી 1.80 મીટરથી 2.00 મીટર સ્પષ્ટ અને અવરોધમુક્ત ચાલવાની જગ્યા જાળવવાનો ધોરણ અપનાવવામાં આવશે. જ્યાં ચાલનારા લોકોની સંખ્યા વધુ હશે ત્યાં જરૂરિયાત મુજબ ફૂટપાથની પહોળાઈમાં વધારો પણ કરવામાં આવશે. સાથે જ ફૂટપાથની નિર્ધારિત ચાલવાની જગ્યા પર કોઈપણ પ્રકારના વીજ થાંભલા, સાઈનબોર્ડ, વૃક્ષો, ઇલેક્ટ્રિકલ કેબિનેટ, સ્ટ્રીટ ફર્નિચર કે અન્ય કાયમી અવરોધો ઉભા ન થાય તેમજ સરળતાથી રાહદારીઓ ચાલી શકે તેની કાળજી લેવામાં આવશે.