દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કેનેડીથી ટોબર, દ્વારકા સુધીની 51 કિલોમીટરની યાત્રા દરમિયાન અદભુત કામગીરી કરી છે.

14 દિવસના સમયગાળામાં તેમણે 24,123 દંડવત પ્રણામ સાથે પેઇન્ટિંગ કર્યું. આ અનોખી સિદ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાએ તેમને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા છે. અમદાવાદના ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં તેમને આ સન્માન આપવામાં આવ્યું.

અરવિંદભાઈ ખાણધર ધાર્મિક અને પ્રાકૃતિક ચિત્રકલા માટે પ્રસિદ્ધ છે. તેઓ અગાઉ પણ વિવિધ ક્ષેત્રોમાં સન્માનિત થઈ ચૂક્યા છે. યોગ અને ચિત્રકલાને સાથે જોડીને તેમણે સ્થાપેલો આ નવો રેકોર્ડ તેમની કલાત્મક યાત્રામાં એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન બની રહ્યો છે.
બેહ ગામમાં 30 એપ્રિલે જુંગીવારા ધામનો નવમો પાટોત્સવ
ખંભાળિયા નજીક આવેલા બેહ ગામના ઐતિહાસિક જુંગીવારા ધામ ખાતે નવમો વાર્ષિક પાટોત્સવ 30 એપ્રિલે યોજાશે. સમસ્ત બેહ ગામ દ્વારા આયોજિત આ ઉત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. સવારે 7 વાગ્યે ધ્વજાજી પૂજન અને ધ્વજારોહણથી કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ મહાયજ્ઞનું આયોજન છે. બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ થશે. સાંજે પરંપરાગત દાંડિયારાસ યોજાશે.

રાત્રે 10 વાગ્યે પ્રખ્યાત કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તૃપ્તિબેન ગઢવી, જશુબેન રબારી, ઉદય ધાંધલ અને ભાવેશ આહીર કલાકારો તરીકે ઉપસ્થિત રહેશે. એન્કર જગદીશ ખડીયા અને આદિત્યાણાના ભીમભાઈ ઓડેદરા ગ્રુપ દ્વારા કાનગોપી રાસની રમઝટ જામશે. આ તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

