બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી-2024 દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઇ પટેલનું અવસાન થયું હતું.
મોટામેડા પ્રાથમિક શાળાના આચાર્ય રાજાભાઇ પટેલને 23 માર્ચના રોજ થાવર પે સેન્ટર જતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મૃતક શિક્ષકના પત્ની વારીબેન પટેલને 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સ્વર્ગસ્થ રાજાભાઈના પરિવાર સાથે વાર્તાલાપ કરી સંવેદના વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી હતી. ભારતના ચૂંટણીપંચની જોગવાઈઓ અનુસાર આ સહાય મંજૂર કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી.નિનામા અને નાયબ મામલતદાર ડી.ડી.સેખલિયા સહિતના અધિકારીઓએ સહાય ચૂકવવાની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે સ્વર્ગસ્થ રાજાભાઈએ મદદનીશ ઝોનલ તરીકે ચૂંટણીમાં ઉત્તરદાયિત્વપૂર્ણ અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેમની સરકારી સેવાઓને હંમેશા યાદ રાખવામાં આવશે.

