સુત્રાપાડા બંદર ખાતે ચાલતી જેટી નિર્માણ કામગીરીમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાના પગલે નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડએ જનહિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પ્રમુખે જણાવ્યું હતું કે સુત્રાપાડા બંદરે ચાલી રહેલા કામમાં ઘણી ખામીઓ સામે આવતા સ્થાનિક રીતે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા વેરાવળ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એન.સી. પંચાલ સહિતના અધિકારીઓ દ્વારા કોઇપણ જવાબ આપવામા આવ્યો નથી. પ્રમુખના જણાવ્યા અનુસાર, ઈજનેર ફોન પર પણ કોઈ પ્રતિસાદ આપતા નથી, જે તેમની નાસરતી દૃષ્ટિ દર્શાવે છે.
મામલતદાર ઉમેશ ગોવડાએ જણાવ્યું હતું કે શ્રી પતિ એસોસિયેટ પ્રા.લિ.ના કે.પ્રભુ અને મુગેશ બાબુ દ્વારા કરાયેલા ગેરકાયદેસર કબજાની ફરિયાદ અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે અને રસ્તા પરથી પસાર થતો માર્ગ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
જાહેરહિતમાં કરવામાં આવેલી રજૂઆતોના અનુસંધાને તપાસના અહેવાલો અરજદારો સુધી ન પહોંચતા સ્થાનિકો માં અસંતોષ વ્યાપ્યો છે. આ અંગે વિજીલન્સ તપાસની પણ માંગ ઊઠી રહી છે.
અંતે નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક જનતાના હિતમાં આંદોલન શરૂ કરવામાં આવશે.
પરેશ લશ્કરી (પ્રેસ રિપોર્ટર)

