National

પવિત્ર શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા; પહેલીવાર મંદિરના નવા રાવલ (પૂજારી) અમરનાથ નંબુદરીએ ગણેશ પૂજા કરી

ભારતીય સેનાના બેન્ડના સુમધુર સૂરો સાથે શ્રદ્ધાળુઓ માટે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યા

રવિવારે સવારે ૬ વાગ્યે શ્રી બદ્રીનાથ ધામના કપાટ યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા, આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સ બેન્ડ દ્વારા ભક્તિ સંગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા ‘જય બદ્રી વિશાલ‘ નો જયઘોષ કરવામાં આવ્યો હતો. શ્રી બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવતા શ્રી બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને ૪૦ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ હતી.

શ્રી બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

શ્રી બદ્રીનાથની પૂજા કરતા મુખ્ય પૂજારીને રાવલ કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અને બદ્રીનાથજીની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર માત્રને માત્ર રાવલને જ છે. કપાટ ખોલતા પહેલા નરસિંહ મંદિર (જાેશીમઠ) થી ભગવાન વિષ્ણુની ચલ મૂર્તિ અને પૂજા સામગ્રી લઈને યાત્રા કાઢવામાં આવે છે. બાબા બદ્રીનાથ ધામના દરવાજા ખોલ્યા પછી આગામી ૬ મહિના સુધી તેમના શણગાર અને પૂજામાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

શ્રી બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાનના નરનારાયણ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે અહીં ભગવાને નરનારાયણના રૂપમાં તપસ્યા કરી હતી. તેથી મંદિરના ગર્ભગૃહમાં શ્રી હરિ વિષ્ણુ સાથે ધ્યાનાવસ્થામાં નર નારાયણની મૂર્તિ સ્થિત છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રી બદ્રીનાથ ધામમાં પ્રાર્થના કરી અને ત્યાં હાજર સ્થાનિકો અને ભક્તો સાથે વાતચીત કરી.

મીડિયા સાથે વાત કરતા, ધામીએ કહ્યું હતું કે, “આજનો દિવસ ખૂબ જ શુભ છે, આજે ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે મંદિરના દરવાજા ખુલી રહ્યા છે. હું ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આગમન પર તમામ યાત્રાળુઓનું સ્વાગત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ યાત્રાળુઓની યાત્રા સરળતાથી પૂર્ણ થાય. બધી વ્યવસ્થા કરવામાં આવી છે.

“શનિવારે, અમે જાેશીમઠના નિર્માણ અને પુનર્નિર્માણ, સુરક્ષા કાર્યો માટે વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને વિનંતી કરી હતી; અમને વિવિધ વિકાસ કાર્યો માટે ભંડોળ આપવામાં આવે. ૧૭૦૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે, જેમાંથી ૨૯૨ કરોડ રૂપિયાનો પહેલો હપ્તો શનિવારે જારી કરવામાં આવ્યો છે. હું વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનો આભાર વ્યક્ત કરું છું.”