Gujarat

ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ, વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની પવન, હોર્ડિંગ્સ-વૃક્ષો ધરાશાયી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે રાત્રે બે વાગ્યાના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો.

ખંભાળિયા શહેર અને દ્વારકા આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

તોફાની પવનના કારણે અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. મરચાં-મસાલા, ફળ અને શાકભાજીના મંડપ પણ ઉખડી ગયા. વીજળીના કડાકા-ભડાકાથી રાત્રે સૂતેલા લોકો જાગી ગયા.

કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે રાત્રે વીજ પુરવઠો ખોરવાયો છે. સવારે પણ અનેક વિસ્તારોમાં વીજળી ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.

ગરમીના દિવસોમાં આ માવઠાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે.

ખંભાળિયા તાલુકામાં 12 મિલિમીટર વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યદર્શન થયા.