Gujarat

ત્રણ દિવસમાં 8.4 ડિગ્રીનો વધારો, આજે મહત્તમ 36 ડિગ્રી રહેવાની સંભાવના

ગાંધીનગરમાં વરસાદી માહોલની અસર ઓછી થતાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં આજે સવારે 28 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની આગાહી છે. ભેજનું પ્રમાણ 52 ટકા રહેવાની સંભાવના છે.

ગાંધીનગર સહિત રાજ્યભરમાં ભરઉનાળે જામેલો ચોમાસાનો માહોલ હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે પડેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. 24 કલાકમાં તાપમાનમાં 2.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. શનિવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

વરસાદની અસરથી બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી ગગડ્યું હતું. ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં 8.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનમાં પણ 24 કલાકમાં પાંચ ડિગ્રીનો વધારો થયો છે. શુક્રવારે 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું, જે શનિવારે વધીને 25.8 ડિગ્રી થયું.

શનિવારે સવારે ભેજનું પ્રમાણ 76 ટકા અને સાંજે 56 ટકા નોંધાયું હતું. આ કારણે દિવસ દરમિયાન ભારે ઉકળાટનો અનુભવ થયો હતો. હવે ઉનાળાની ખરી ગરમી શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. આગામી દિવસોમાં નગરજનોએ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.