Gujarat

ભાવ વધવાની શક્યતા, ઝાડ પર રહેલા ફળો પણ સડવાની ભીતિ; સરવે કરી વળતર ચુકવવા ખેડૂતોની માગ

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. ખાસ કેરીના પાક પર આ અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા, પણ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફળો ઝાડ પરથી પડી ગયા છે.

કેરીના પાકને 30થી 40 ટકા નુકસાન સુરત જિલ્લાના ખેડૂતે આ વર્ષે સારા પાકની આશા રાખી હતી, પણ આ અચાનક બદલાયેલા મોસમે ખેડૂતોની આખી મહેનત વ્યર્થ કરી નાખી છે. હવે બજારમાં કેરી ઓછી મળશે અને ભાવ વધી શકે છે.

ખેડૂતોના કહેવા મુજબ કેરીના પાકને લગભગ 30થી 40 ટકા સુધી નુકસાન થયું છે. જે ફળો ઝાડ પરથી પડી ગયા છે તે તો નષ્ટ થયાં છે, જ્યારે ઝાડ પર રહેલા ફળોમાં પણ હવે સડવાની ભીતિ વધી છે. ઘણા વિસ્તારોમાં કેરીના ખેતરોમાં પાણી ભરાતા પણ ફળોની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે.

દક્ષિણ ગુજરાતમાં ચીકુ, કેરી, ઊભા પાકને ગંભીર નુકસાન ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, “અચાનક બદલાયેલા મોસમના કારણે દક્ષિણ ગુજરાતમાં ચીકુ, કેરી, ઊભા પાકને ગંભીર નુકસાન થયું છે.

આ સમય એવો હતો જ્યારે કેરી સંપૂર્ણ રીતે તૈયાર હતી, પણ ઉતારતા પહેલા જ પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં કેરીના ફળો પડી ગયા.” ખેડૂતોએ હવે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરાવીને યોગ્ય વળતર આપવામાં આવે. સાથે કૃષિ વિભાગ પાસેથી પણ સલાહ માગવામાં આવી છે કે હાલ ખેતરમાં ઉભા પાકને કેવી રીતે બચાવવો.