ભુજ શહેરમાં બસ સ્ટેશન માર્ગ પર વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકાએ મહત્વનું પગલું લીધું છે. શહેરના જનતાઘર, અનમ રિંગ રોડ અને બસ સ્ટેશન માર્ગ પર વહેલી સવારથી શાકભાજી વેચતા વેપારીઓ પૈકી 94 વિક્રેતાઓને ઓપન-એર થિયેટરમાં ખસેડવામાં આવ્યા છે.
નગરપાલિકાએ તાજેતરમાં ભુજ શેરી ફેરિયા મંડળ સાથે યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી 94 કાછિયાઓ અને શાકભાજી વિક્રેતાઓએ ઓપન-એર થિયેટરમાં તેમનો વેપાર શરૂ કર્યો છે. પ્રથમ દિવસે જ આ નવા સ્થળે ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી હતી.

શેરી ફેરિયા મંડળના સંયોજક મોહમદ લાખાએ જણાવ્યું કે તેઓ નગરપાલિકાની આ પહેલમાં પૂરતો સહકાર આપશે. બાકી રહેલા શાકભાજી વિક્રેતાઓ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ નિર્ણયમાં નગરપાલિકાના સભ્યો અનિલ છત્રાલા, ધીરેન લાલન, કિરણ ગોરી, કિશોર શેખા અને શાકભાજી વિક્રેતા મયૂર ગોર સહિતના લોકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, હવે છઠ્ઠીબારી અને એસટી માર્ગને જોડતા ત્રિભેટે નવી ટ્રાફિક સમસ્યા સર્જાવાની પણ શક્યતા ઉભી થઇ છે.

