ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી.
આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ રાખવામાં આવી છે. 22 મે થી 5 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ધાર્મિક સ્થળોની સફાઈ, મેરેથોન, વોક-વે થોન અને વેપારીઓ સાથે સેમિનારનો સમાવેશ થાય છે.

શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નુક્કડ નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. ઉદ્યોગોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર ઉપાધ્યાયે જણાવ્યું કે, સામાજિક સંસ્થાઓના સહયોગથી જિલ્લામાં પર્યાવરણ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

