તાલાલા સહિત ગીર પંથકમાં આજે સવારથી આગાહી મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ભારે પવન ફંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે પવન ફૂંકાતા કેરીનો થોડો બચેલો પાક પણ ખરી પડતા કેરીના પાકને કુદરતનો વધુ એક ફટકો પડતા કેરી ઉત્પાદક ખેડૂતો હતાશ બની ગયા હતા.
તાલાલા પંથકમાં કેસર કેરીનો મહત્વનો તબક્કો મે મહિનો ગણાતો હોય જો મે માસની શરૂઆતમાં પાંચ દિવસ વરસાદ પડ્યો હોય કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આજે ફરી માવઠાથી વરસાદ સાથે પવન ફૂંકાતા કેરીના પાકને વધુ નુકસાન થયું છે. વર્ષમાં એકવાર આવતા કેરીનો પાક એંસી ટકા ફેલ થયો હોય બચેલો વીસ ટકા પાકને પણ કુદરતના ફટકા પડતા હોય કેરી ઉત્પાદક ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
ગીર પંથકમાં કમોસમી વરસાદે તાલુકાની મુખ્ય આવક કેરીના પાક સાથે ઉનાળુ પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. મગ, અડદ, બાજરો, મકાઈ સહિત ઘાસચારાને પણ નુકસાન થયું છે. વરસાદ થંભી ગયા બાદ શરૂ થયેલ ઉકળાટથી વધુ વરસાદ થવાની ભિતી સેવાઈ રહી છે.
જૂનાગઢ જુનાગઢમાં બુધવારની સવારે 26 મિનિટ તેજ પવન સાથે જોરદાર કમોસમી વરસાદ વરસતા શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા હતા. સવારે લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતુ.
અસહ્ય ઉકળાટ, બફારો વચ્ચે સવારે ઓચિંતા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી જ વારમાં આકાશ કાળાડિબાંગ વાદળાથી ઘેરાઈ ગયું હતું જે સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડવી શરૂ થઈ ગઈ હતી અને ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો હતો.
થોડીવારમાં જ મેઘરાજાનું આગમન થયું હતું. શહેરના ગિરનાર દરવાજાથી સોનાપુરી સ્મશાન સુધી 26 મિનિટ તેજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા રસ્તા પર નદીની માફક પાણી વહેતું થઈ ગયું હતું.
ગિરનાર દરવાજા ઉપરાંત ઝાંઝરડા ચોકડી, મધુરમ, દોલતપરા, જોષીપરા, મજેવડી દરવાજા સહિતના છેવાડાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના આંતરિક વિસ્તારો ઉપરાંત ભવનાથ તળેટીમાં છૂટો છવાયો વરસાદ રહ્યો હતો.
મંગળવારના વરસાદથી શહેરમાં વિવિધ કામો માટે ખોદવામાં આવેલા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ સવારે વરસાદ વરસ્યા બાદ સાંજ સુધી પણ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.

તાલાલા યાર્ડમાં આજે 15 હજારથી વધુ બોક્સ કેરીની આવક થઈ હતી. કેરીનો માલ પલળીને બગડે નહી તે માટે યાર્ડના શેડ ઉપરાંત બધી દુકાનોની લાઈનોની લોબીમાં માલ રખાયો હતો. યાર્ડના વેપારીએ પ્લાસ્ટીક મંગાવી કેરી ઢંકાવી હતી. યાર્ડના સત્તાવાળાઓની દેખરેખથી કેરીના વેંચાણ માટે આવેલ પાકને નુકસાન થયું ન હતું.
ખરાબ મોસમથી રોપ-વે માત્ર 2 કલાક શરૂ રહ્યો બુધવારના અણધાર્યા વરસાદ અને ખરાબ મોસમની ગિરનાર રોપ-વે સેવા પર અસર થઈ હતી. સવારે 7 વાગ્યે નિર્ધારિત સમયે રોપ-વે શરૂ થયો હતો પરંતુ આ પછી વાતાવરણમાં પલટો આવતા અને પવન ફૂંકાવાનું શરૂ થઈ જતા સવારે 9 વાગ્યાથી પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી.
માળિયા શહેર અને આસપાસના ગામો વડીયા ગીર જંગલ, અમરાપુર સહિતમાં સવારે 11:30 વાગ્યા આસપાસ વીજળી અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં આવેલ સરકારી હાઈસ્કુલ પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
ઓચિંતા વરસાદથી કેરીના બોક્સ પલળ્યા બુધવારે સવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી ચાલી રહી હતી અને તે દરમિયાન ઓચિંતો વરસાદ આવતા કેરીના સંખ્યાબંધ બોક્સ પલળી ગયા હતા. વરસાદથી બોક્સ પાણીમાં તરવા લાગ્યા હતા તો કેટલાક તૂટી જતા કેરી પાણીમાં તણાઈ હતી.
તેના પરિણામે વેપારીઓ બાગાયતકારો અને ઇજારેદારોને ભારે નુકસાન થયું હતું. ઓક્શન શેડ હેઠળ વેચાણ વ્યવસ્થા જુનાગઢ યાર્ડમાં ઓકશન શેડ હેઠળ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને તેમની જણસ લાવતી વખતે ઢાંકીને લાવવાની સુચના જારી કરવામાં આવ્યું છે. યાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોબાઈલ નંબર મૂકવામાં આવ્યો છે તે નંબર પર ખેડૂતો સંપર્ક કરી જગ્યા તેમજ વ્યવસ્થાની માહિતી મેળવી શકે છે.

