વેરાવળના ભાલકા મંદિર નજીક આવેલા મરચા માર્કેટમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. માર્કેટમાં રહેતા 70થી વધુ પરિવારોના ઝૂંપડા ધરાશાયી થયા છે. આ પરિવારો જેતપુરથી મરચાનો વેપાર કરવા માટે અહીં આવ્યા હતા.

મરચા માર્કેટમાં 10 જેટલા દંગા ધરાશાયી થયા છે. મોટી માત્રામાં મરચું પલળી જવાથી વેપારીઓને નોંધપાત્ર નુકસાન થયું છે. દરેક સ્ટોલ ધારકને 15થી 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે.


જેતપુરથી આવેલા વસંતભાઈ સોલંકી અને લીલાબેન સોલંકીએ જણાવ્યું કે માત્ર એક મિનિટમાં તેમની આખા વર્ષની કમાણી નષ્ટ થઈ ગઈ છે. આ વેપારીઓ દર વર્ષે ચાર મહિના માટે વેરાવળમાં મરચાનો વેપાર કરવા આવે છે.

વાવાઝોડા દરમિયાન ભારે પવનને કારણે ઝૂંપડાઓ તૂટી પડ્યા હતા. પરિવારોએ મુશ્કેલીથી બાળકોને બચાવ્યા હતા. આ વેપારીઓ ખુલ્લા મેદાનમાં ઝૂંપડા બાંધીને પરિવાર સાથે મરચા માર્કેટમાં જ રહેતા હતા.



