Goa

20 મિનિટના મેઘતાંડવમાં 25થી વધુ વૃક્ષો-વીજ થાંભલા ધરાશાયી, વાહનોને નુકસાન

વેરાવળ-સોમનાથ પંથકમાં આજે સાંજે 6 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મીની વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આવેલા વરસાદે વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી.

વીસ મિનિટ સુધી ચાલેલા મેઘતાંડવમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 25થી વધુ વૃક્ષો અને અનેક વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા. સોલાર પેનલો, કાચા મકાનોની છત અને દીવાલોને પણ નુકસાન થયું હતું.

પ્રભાસ પાટણમાં શિવ પોલીસ ચોકીથી સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર એક મોટું વૃક્ષ અને વીજ થાંભલો પડી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ સ્કૂટર અને એક લારી દબાઈ ગઈ હતી.

તંત્રની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. જાહેર માર્ગો પરથી ધરાશાયી થયેલા વૃક્ષો અને વીજ થાંભલાઓને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નુકસાનીનો ચોક્કસ આંકડો સવાર સુધીમાં સામે આવશે તેવી શક્યતા છે.