છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી સભા તારીખ 22/ 5/ 2025 ને ગુરુવારના રોજ જિલ્લા શાળા સંચાલક મંડળ ના પ્રમુખશ્રી અનિરુદ્ધભાઈ શાંતિલાલ પટેલ ના અધ્યક્ષ પદે મળી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા સંચાલક મંડળ ના હોદેદારો માં અધ્યક્ષ સંજય ભાઈ શાહ અને રમેશભાઈ ખત્રી , મહામંત્રી મેહુલભાઈ પટેલ અને બળવંતભાઈ , ઉપ પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા અને લોકેન્દ્ર સિંહ સાથે સાથે માજી જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કારોબારી સભામાં સર્વ પ્રથમ જમ્મુ કાશ્મીરમાં પુલવામાં હુમલામાં અવસાન પામેલ નાગરિકોના સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચાલતી ગ્રાન્ટેડ- નોન ગ્રાન્ટેડ શાળાઓ, આશ્રમ શાળાઓ અને છાત્રાલયના કેટલાક પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ જેને સર્વનુંમતે સર્વ સભ્યોએ અનુમોદન આપ્યું હતું. કારોબારી સભામાં ચર્ચામાં લેવાયેલ મુખ્ય મુદ્દાઓમાં શાળા સંચાલકોએ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તેમજ માનનીય કમિશનર શ્રી શાળાઓ ગાંધીનગરની પત્ર પાઠવવા તેમજ જુના શિક્ષકની જગ્યાએ નવા શિક્ષક ન આવે ત્યાં સુધી જુના ને છૂટા ન કરવા ઠરાવ થયો.
શાળાઓમાં કારકુન પટાવાળા વર્ષોથી ખાલી પડેલ જગ્યા માં ભરતી થાય તે માટે રજૂઆત કરવા ચર્ચા થઈ ફાયર સેફ્ટી બાબતે માત્ર ગ્રાન્ટેડ- નોન ગ્રાન્ટેડ શાળાને ₹10,000 દંડ કરાય છે, તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા તેમજ આરટીઇ હેઠળની ગ્રાન્ટ વર્ગ ને બદલે વિદ્યાર્થી દીઠ મળે તેમજ તેમાં વધારો થાય તેવી રજૂઆત કરવા ચર્ચા થઈ હતી. દરેક શાળાઓ, આશ્રમ શાળાઓ અને છાત્રાલયમાં સોલર પેનલ સિસ્ટમ મળે અને ઘરેલુ રાંધણ ગેસ બોટલ ઉપલબ્ધ થાય એમ ઠરાવ્યું.
આશ્રમ શાળાઓ અને છાત્રાલયો ચલાવતી સ્વૈચ્છિક સંસ્થાઓને વિદ્યાર્થી દીઠ રોજબરોજ વપરાતી ચીજ વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે હાલની મોંઘવારી ને ધ્યાને લઈ માસિક ગ્રાન્ટમાં વધારો થાય તેમજ કોમર્શિયલ ધોરણ આવતું લાઈટ બિલ રહેઠાણ તરીકે અથવા રાહત દરે હોય તે માટે રજૂઆત કરવાની ચર્ચાઓ મુખ્ય રહી. આ તબક્કે આશ્રમ શાળાઓમાં પડેલ ખાલી જગ્યાઓમાં સ્ટાફની ભરતી વહેલી તકે થાય તે માટે રાજ્ય મંડળના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને આદિજાતિ મંત્રીશ્રીને સાચી વાત કરવા તેમજ તે માટે અધિવેશન બોલાવવા નક્કી થયું હતું.
સમગ્ર છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોય શિક્ષણ અને રોજગારી ની તકો વધે તે માટે સ્થાનિક નેતાગીરી અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ સરકાર શ્રીમાં પ્રબળ રજૂઆત કરે તે હિતાવહ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની પ્રજાની હિતલક્ષી વિચારસરણી ફળીભૂત થાય સૌનું માનવું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

