શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે દશામાં વ્રતની ઉજવણી થઈ રહી છે. 10 દિવસ માટે ઉજવાતા દશામાં વ્રત પૂર્ણ થવાના આરે છે ત્યારે શહેરમાં સ્થાપના કરાયેલ 22000 નાની-મોટી દશામાની મૂર્તિઓના વિસર્જન માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કુત્રિમ તળાવ સહિત 8 તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. તા. 3 ઓગસ્ટના રોજ દશામાની મૂર્તિઓનું વિસર્જન થશે ત્યારે આજે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે તરસાલી ખાતે તૈયાર કરવામાં આવેલા કુત્રિમ તળાવની મુલાકાત લીધી હતી.
પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાંની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં 22 હજાર ઉપરાંત નાની-મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે દશામાંની મૂર્તિઓનું નિર્વિઘ્ને અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ચારે ઝોનમાં 5 કૃત્રિમ તળાવો નવા બનાવવામાં આવ્યા છે.

આ 5 તળાવ સહિત કુલ 8 તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું છે તા. 3 ઓગસ્ટના રોજ દશામાંનું વિસર્જન થનાર છે ત્યારે આજે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી તેમજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તરસાલી ખાતે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી.

