Gujarat

ભાવનગરના 1.05 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.26 કરોડ જમા, નવા ટ્રેક્ટર માટે મંજૂરીપત્રો એનાયત

ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નો કાર્યક્રમ યોજાયો હતો

ભાવનગર જિલ્લાના 1.05 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના 20માં હપ્તાની રકમ પેટે કુલ રૂ.26 કરોડ ડી.બી.ટી.થી જમા થયાં હતાં.રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને નવા ટ્રેક્ટરના પૂર્વ મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ વેળાએ ખેડૂતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ છે તેમ જણાવી રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ કહ્યું કે, દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને સહાય માટે વર્ષ-2019માં કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ યોજના વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે.

મંત્રીએ જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિના 20માં હપ્તા સ્વરૂપે આજ રોજ દેશભરના ખેડૂતોના ખાતામાં 20,500 કરોડથી પણ વધુ રકમ સીધી જ જમા કરાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત 2.26 કરોડથી વધુ મહિલા ખેડૂત લાભાર્થી લાભ લઈ રહ્યા છે, જે સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ભારત સરકાર ખેડૂતોના પરિશ્રમનું સન્માન કરી તેમના સુખ-દુઃખમાં પડખે ઊભી છે તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા દેશભરમાં અમલી ભારત સરકારની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. સરકાર વિભિન્ન યોજનાઓ થકી વિકાસના નવા વિઝન સાથે ખેડૂતોને જોડી રહી છે અને તેનાથી વિકસિત ભારતની યાત્રામાં ખેડૂતો સહભાગી બની રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.