જામનગર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત શ્રાવણી લોકમેળાનુ ચાલુ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન થયુ છે.જે માટે મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઇ છે.મેળામાં જુદા જુદા 43 પ્લોટની હરાજી બાદ તેની ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે.
બીજી બાજુ લોકમેળાને અનુલક્ષીને મેદાન ખાતે મોટી રાઇડસ સહિતની નવી મનોરંજક સાધન સામગ્રીઓ પણ આવી પહોચતા કામગીરીનો ધમધમાટ જોવા મળે છે. ચાલુ વર્ષે પણ મહાપાલિકા દ્વારા મેળાના દશ કરોડના વીમા માટે આયોજન ઘડાયુ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે તા.10મી ઓગષ્ટથી તા. 24 ઓગષ્ટ સુધી પંદર દિવસીય લોકમેળાનુ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયુ છે.સાતમ-આઠમ-નોમ પર્વને આવરી લેતા લોકમેળાના પગલે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ આરંભાઇ છે.
સંબંધિત વિસ્તારોમાં ખડકાયેલા અમુક દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરાવાયા હતા જે સાથે જ મેદાની સફાઇ સહિતની કામગીરી સાથે પ્લોટીંગ પાડવા માટે કામગીરી હાથ ધરાઇ છે.અત્રે ઉલ્લેખનીય છેકે, લોકમેળા માટે તંત્ર દ્વારા જુદા જુદા 43 પ્લોટની ફાળવણી કરાઇ છે.જેની હરાજી થકી મનપાને રૂા. 2.07 કરોડથી વધુની આવક થવા પામી છે.

