રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા 5 દિવસમાં મોરબી પંથકમાં ચેકીંગ કરી કાર્યવાહી કરી રહી છે, જેમાં કચ્છથી ખનીજચોરી કરીને લાવવામાં આવતી ફાયર ક્લે અને ચાઈના ક્લેનું વહન કરતા અલગ-અલગ 7 વાહનો તેમજ વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફાયર ક્લેનું ગેરકાયદેસર ખનન કરતા એક હિટાચી તેમજ ડમ્પરો ઝડપી પાડી 3 કરોડથી વધુ કિંમતના વાહનો જપ્ત કર્યા હતા તો મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા વાહનચાલકો પાસેથી રૂ.19.25 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
જેમાં 245 મેટ્રિક ટન ખનીજ કબજે કરવામાં આવ્યુ હતું. રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી અંકિત ભટ્ટના માર્ગદર્શનમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે છેલ્લા 5 દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં થતી ખનીજચોરી કરતા શખ્સો પર તવાઈ છે.
જેમાં માળીયા મિયાણા હાઇ-વે ઉપર રોયલ્ટી ભર્યા વગર કચ્છમાંથી લાવવામાં આવતા ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોર ક્લે ભરેલા પાંચ ડમ્પર તેમજ મોરબી શહેર નજીકથી ફાયર ક્લે અને ચાઈના ક્લે ભરેલા ખનીજચોરીવાળા બે ડમ્પર સહિત કુલ રૂ.2 કરોડના સાત વાહનો જપ્ત કરી ખનીજચોરી કરતા વ્યક્તિઓ પાસેથી રૂપિયા 19 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

