Gujarat

બહુમુખી પ્રતિભા ધરાવતાં વડોલીનાં પ્રાથમિક શિક્ષક ભરત સોલંકીની વધુ એક ઉપલબ્ધિ

ઓલપાડ તાલુકાની વડોલી પ્રાથમિક શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક ભરતભાઈ સોલંકીએ સંગીત ક્ષેત્રે પોતાની નોખી ઓળખ બનાવી છે. મુંબઈની લોકપ્રિય ચેનલ ‘લુક માય શો’  દ્વારા ઇન્ટરવ્યૂ માટે તેમને આમંત્રણ મળ્યું હતું. જે ઇન્ટરવ્યૂમાં ભરતભાઈએ પોતાનાં શૈક્ષણિક અનુભવ, પ્રેરણાદાયી પ્રસંગો સહિત પોતાનાં સંગીત સાથેનાં તાદાત્મ્ય વિશે રસપ્રદ વાતો રજૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરતભાઈ સોલંકી દ્વારા ગવાયેલું અને રજૂ કરાયેલું આલ્બમ સોંગ ‘દિલ કેહ રહા હે’ હાલમાં સોશિયલ મીડિયા તથા યુટ્યુબ જેવાં પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ ગીતનાં મધુર શબ્દો, હ્રદયસ્પર્શી સંગીત અને તેમની ભાવસભર રજૂઆતને કારણે આલ્બમને બહોળી પ્રશંસા મળી રહી છે.
સંગીતપ્રેમીઓ તેમની પ્રતિભાને વખાણી રહ્યાં છે. શિક્ષક તરીકે તેઓ બાળકોમાં આત્મવિશ્વાસ, સંસ્કાર અને પ્રતિભા વિકસાવવાની સાથોસાથ પોતે પણ સંગીત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે તે વડોલી પ્રાથમિક શાળા તેમજ ઓલપાડ તાલુકા માટે ગૌરવની બાબત છે.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)