પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
એલ.સી.બી. પાટણની કામગીરી – કેબલ ચોરી અને વાહન ચોરીના બે ગુન્હાઓના ભેદ ઉકેલાયા ; ૩ આરોપી ઝડપી, રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે
પાટણ જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા સાંતલપુર વિસ્તાર તથા બેચરાજી પો. સ્ટે. હદમાં બનેલા કેબલ ચોરી અને વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓને લઈને સતત દેખરેખ અને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીને આધારે એલ.સી.બી. પાટણના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સાંતલપુર વિસ્તારમાંથી ત્રણ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન તેમની પાસેથી મળેલા કેબલ વાયર તથા સ્પ્લેન્ડર પ્લસ તથા એક્ટિવા સહિત કુલ રૂ.1,21,000/- કિંમતનો મુદ્દામાલ કબ્જે થયો હતો. આગળની તપાસમાં જાણવા મળ્યું કે આ મુદ્દામાલ સાંતલપુર પો. સ્ટે. ગુ.ર.નં. 11217032250391/2025 હેઠળ થયેલી કેબલ ચોરી અને બેચરાજી પો. સ્ટે. ગુ.ર.નં. 11206008250387/2025 હેઠળ થયેલી વાહન ચોરીના ગુન્હાઓમાં સંકળાયેલ હતો. પોલીસે નસરતખાન સુલેમાન ઇબ્રાહીમભાઇ થેબા, અફઝલ રહીમભાઇ ઇસબભાઇ થેબા (બન્ને રે. સિધાડા, તા. સાંતલપુર, જિ. પાટણ) તથા જાવેદ હસનભાઇ બક્સા નાગોરી (રે. ચંદ્રોડા જીલાણીવાસ, તા. બેચરાજી, જિ. મહેસાણા) નામના આરોપીઓને ઝડપી પાડી મળેલ મુદ્દામાલ સાથે સાંતલપુર પો. સ્ટે.ના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કામગીરીમાં આર.જી. ઉનાગર (પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. પાટણ), એચ.ડી. મકવાણા, એસ.બી. સોલંકી તથા એલ.સી.બી.નો સ્ટાફ જોડાયો હતો.



