જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બાળ મજૂરી વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક ચાની હોટલમાંથી બાળ મજૂરને મુક્ત કરાયો છે. દરેડ GIDC માં આવેલી ‘માતૃ કૃપા હોટલ એન્ડ પાન‘ના સંચાલક મહેશપરી ભીખુપરી ગોસ્વામી દ્વારા ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી. જામનગરના શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સ ટીમે આ બાળકને મુક્ત કરાવી હોટલ સંચાલક સામે કડક કાર્યવાહી કરી છે.
શ્રમ આયુક્ત વિભાગની ટીમને આ હોટલમાં બાળ મજૂરી થતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, સરકારી અધિકારી ડો. ડી.ડી. રામીના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો. મુક્ત કરાયેલા બાળકને હાલ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યું છે.
ટીમે બાળકના વાલીઓને પણ સ્થળ પર બોલાવીને સમગ્ર પરિસ્થિતિ અંગે સમજ આપી હતી. ડો. ડી.ડી. રામીએ પોતે ફરિયાદી બનીને હોટલ સંચાલક મહેશપરી ભીખુપરી ગોસ્વામી વિરુદ્ધ પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૮૬ની કલમ ૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

