ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. વારંવારની સૂચના છતાં વેરો ન ભરનારા ૮,૨૬૦ બાકીદારોને આખરી નોટિસ ફટકારી કુલ રૂ. ૭.૨૬ કરોડની વસૂલાત કરવામાં આવી છે, . જ્યારે જપ્તીની કાર્યવાહી હેઠળ ૭૮ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વસૂલાત અને નિયમ પાલન અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મનપાએ વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં ૭૮ મિલકતો સીલ કરી છે. જ્યારે કાયદાકીય જાેગવાઈ હેઠળ બંધ મિલકતોના ધારકોને લાખોની રાહત પણ આપી છે.
મિલકતવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે કરદાતાઓએ સમયમર્યાદામાં વેરો ભર્યો ન હતો તેવા ૮,૨૬૦ લોકોને આખરી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના પરિણામે રૂ. ૭.૨૬ કરોડની વસૂલાત થઈ છે. જાેકે નોટિસ બાદ પણ ઉદાસીનતા દાખવનારા ૭૮ મિલકત ધારકો સામે ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી તેમની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં કુલ ૧.૨૬ લાખથી વધુ કરદાતાઓ પાસેથી રૂ. ૬૯.૦૯ કરોડનો વેરો વસૂલ થયો છે. જેમાં ૪૭% કરદાતાઓએ એટલે કે ૭૧,૦૯૧ લોકોએ ડિજિટલ માધ્યમથી રૂ. ૩૨.૧૫ કરોડની ચૂકવણી કરી છે, જ્યારે ૫૩% લોકો એ ઓફલાઇન માધ્યમથી ચૂકવણી કરી છે.
વધુમાં વિભાગ દ્વારા કહેવાયું છે કે,જી.પી.એમ.સી. એક્ટની જાેગવાઈ મુજબ જે મિલકતો વપરાશમાં નથી તેવી બંધ અને ખાલી મિલકતોને વેરામાં રાહત આપવામાં આવી છે.ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મહાનગર પાલિકાએ કુલ ૭૧૯ મિલકત ધારકોની અરજીઓને ગ્રાહ્ય રાખી છે. આ અંતર્ગત મનપા દ્વારા કુલ રૂ. ૩૮.૯૮ લાખ જેટલી રકમની વેરા માફી મંજૂર કરી કરદાતાઓને આર્થિક રાહત આપી છે.

