આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદ રેન્જ પોલીસના વિશેષ અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર અને રૂ. 3.10 લાખના ઈનામી આરોપી રાજુ ઉર્ફે રફીકસિંહ નિઝામ મોહમદિયાની દાહોદ જિલ્લાના લીમખેડા ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, સાવલી પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રફીકસિંહ નિઝામ મોહમદિયા (રહે. માતવા, તા. ગળતેશ્વર, જિ. દાહોદ) લીમખેડા ચોકડી નજીક હાજર છે. ત્યારબાદ પેરોલ ફર્લો સ્ક્વોડે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને સાવલી પોલીસને સોંપ્યો હતો.

