જામનગર શહેરમાં દિગજામ રેલવે ઓવરબ્રિજ નીચે રેલવેની જમીન પરના દબાણો હટાવવા માટે આજે મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં શહેર, જિલ્લા અને રેલવે પોલીસનો મોટો કાફલો જોડાયો હતો.
રેલવે લાઇનના બંને તરફ આશરે 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાં ખડકી દેવાયા હતા. આ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો હતી અને પોલીસે અનેક વખત દરોડા પણ પાડ્યા હતા.

આ ડિમોલેશન લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા અને જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થયું હતું. 300થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી હતી.
રેલવે લાઇન પરના 150થી વધુ નાના-મોટા ઝૂંપડાં અને કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે અડધો ડઝનથી વધુ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ તંત્ર દ્વારા આ કાર્યવાહી મક્કમતાપૂર્વક ચાલુ રાખવામાં આવી છે. પોલીસના નિર્ધાર મુજબ, આગામી બે દિવસમાં આ સમગ્ર વિસ્તારના તમામ દબાણો દૂર કરીને રેલવે ટ્રેક આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવશે. આ કાર્યમાં જામનગર શહેર પોલીસ ઉપરાંત રેલવે પોલીસનો સ્ટાફ પણ સહયોગ આપી રહ્યો છે.

