જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ અને દેકારો કરતી ટોળકીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ સગીરો સહિત કુલ 24 સભ્યોને શોધી કાઢ્યા છે અને તેમના 13 વાહનો જપ્ત કર્યા છે. સિટી એ. ડિવિઝન પોલીસે નેત્રમ ટીમની મદદથી આ કાર્યવાહી કરી હતી.
આ ઘટના પરમદિવસે મોડી રાત્રે 1 વાગ્યા પછી બની હતી. પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા વિસ્તારોમાંથી આ ટોળકી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર પસાર થઈ હતી. તેઓ બેફામ ડ્રાઇવિંગ કરતા, ચીસો પાડતા અને સ્પીડ બ્રેકર પર સ્ટંટ કરતા હોવાના વીડિયો શહેરમાં વાયરલ થયા હતા, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસ વિભાગનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)સક્રિય થયું હતું. પીએસઆઈ બી.બી. સિંગલ અને તેમની ટીમે બેડીગેટથી હવાઈ ચોક સુધીના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. આ ફૂટેજના આધારે વાહનચાલકોના નંબર અને વાહનોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ વિગતો સિટી એ. ડિવિઝન પોલીસ મથકને સુપ્રત કરવામાં આવી હતી.
સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમે નેત્રમ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતોના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.સીસીટીવી ફૂટેજમાં દેખાતા તમામ વાહનો અને તેમાં સવાર વ્યક્તિઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.

