જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થ હેરોઈન ઘુસાડવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે પંજાબથી આવેલા ચાર શખ્સોને રૂ. 83 લાખથી વધુની કિંમતના હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં મુખ્ય સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે.
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ SOG શાખાને સૂચના આપી હતી. જેના પગલે SOG સ્ટાફ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, શહેર અને જિલ્લામાં નશો કરનારાઓની માંગને પહોંચી વળવા ઝેરી વસ્તુઓ વેચતા ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી હતી.
ગઈ રાત્રે પૂર્વ બાતમીના આધારે SOG સ્ટાફે મોટી ખાવડી ગામે આવેલી હોટલ 666ના રૂમ નંબર 202માં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મૂળ પંજાબના વતની વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 418 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂ. 83.60 લાખ થાય છે.

