સાઉથ બોપલમાં રોડની બાજુના પાર્કિંગનો બનાવ
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી ગાડીનો કાચ તોડી બે લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. ગણતરીની સેકન્ડોમાં જ બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. લોકોની અવરજવરની વચ્ચે આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે.
સાઉથ બોપલમાં રહેતા પ્રિન્સભાઈ નામના વેપારી તેમની ૈ૧૦ કાર લઈને સાઉથ બોપલના સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરીને બિલ્ડિંગમાં ગયાં હતાં. કારમાં આગળના ભાગે પૈસા ભરેલી બેગ રાખી હતી. આ દરમિયાન લોકોની અવર-જવર વચ્ચે એક બાઈક પર બે શખ્સ હેલ્મેટ પહેરીને આવ્યા હતા. કંઈ પણ વિચાર્યા વિના પાછળ બેઠેલા શખ્સે ગાડીમાં ડ્રાઇવરની બાજુની સીટના દરવાજાનો કાચ સેકન્ડસમાં તોડીને પૈસા ભરેલી બેગ લઈને નાસી ગયા હતા.
પ્રિન્સભાઈ જ્યારે બિલ્ડીંગમાંથી નીચે આવ્યા અને કાર તરફ જાેયું તો ગાડીનો કાચ તૂટેલો હતો અને પૈસા ભરેલી બેગ પણ ગાયબ હતી. આ બેગમાં બે લાખ રૂપિયા રોકડ રકમ હતી. ચોરી થયાની જાણ થતા તેમને તાત્કાલિક ૧૧૨ નંબર ઉપર જાણ કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં બાઈક પર આવેલા બંને શખ્સો ચોરી કરતા દેખાતા હતાં. સમગ્ર મામલે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

