Gujarat

ગિરનાર રોપ વેના ટિકિટના ભાવમાં રૂ. ૬૯નો ઘટાડો

મહાશિવરાત્રી મેળાને લઈને પાંચ દિવસ ભક્તોને ફાયદો

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો ર્નિણય લેવાયો છે. ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.૬૯નો ઘટાડો કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. ૬૯૯ હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. ૬૩૦માં ઉપલબ્ધ થશે. આ રાહત દરને કારણે ૧૧થી ૧૫ ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે. ટિકિટ દરમાં કરવામાં આવેલો આ ઘટાડો મર્યાદિત સમય માટે અમલી રહેશે. આગામી તારીખ ૧૧થી ૧૫ ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ સુધી આ ઘટાડેલા ભાવ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના ર્નિણયથી ગિરનાર જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી જાેવા મળી રહી છે. જ્યારથી રોપ-વે શરૂ થઈ છે, ત્યારથી ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રોપ-વેની આશરે ૧૦ મિનિટની સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહી છે. પ્રવાસીઓ ઊંચાઈએથી પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય માણવા ગિરનાર આવી રહ્યા છે.