National

જસ્ટીસ નરવણેના પુસ્તક મુદે સતત બીજા સપ્તાહે લોકસભાની કામગીરી ખોરવાઈ

ભારતીય સૈન્યના પુર્વ વડા જનરલ એમ.એન.નરવણેના પુસ્તકમાં ડોકલામ મુદે કરાયેલા ઉલ્લેખનો મુદો ઉઠાવીને સંસદના ગત સપ્તાહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલા ઉલ્લેખ બાદ સર્જાયેલી ધાંધલ ધમાલ આજે નવા સપ્તાહના પ્રારંભે પણ ચાલુ રહી છે અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ગૃહમાં રાહુલ ગાંધીને બોલવા ન દેવાય તો અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ દરખાસ્તની પણ ચીમકી આપતા રાજકીય વાતાવરણ ગરમ બની ગયું છે.

આજે લોકસભામાં કાર્યવાહી શરુ થતા જ વિપક્ષના સભ્યોએ અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ માંગણી કરી હતી કે રાહુલ ગાંધીને બોલવા દેવા જાેઈએ. અધ્યક્ષે પ્રશ્નકાળ પુરો થયા બાદ સદનના નિયમ મુજબ અને આપસી સહમતીથી ચર્ચા થશે તેવો જવાબ આપ્યો હતો પરંતુ કોંગ્રેસના સભ્યો ફરી એક વખત ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર તેમજ ધમાલ કરતા જ ગૃહ મુલત્વી રહ્યું હતું.બીજી તરફ વિપક્ષોએ આ મુદે હવે અધ્યક્ષ ઓમ બિરલાને નિશાન બનાવ્યા છે અને જાે રાહુલ ગાંધીને બોલવા દેવાની મંજુરી ન અપાય તો અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી હોવાનું માનવામાં આવે છે.

રાહુલ ગાંધીએ પણ લોકસભા અધ્યક્ષને એક પત્ર લખીને તેમને ગૃહમાં બોલતા રોકવાને પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કોંગ્રેસે આ પત્ર તેના સોશ્યલ મીડીયા પર શેર કર્યો છે અને તેમાં વિપક્ષના નેતાને તેના અધિકારથી વંચિત રાખવાનો આરોપ મુકયો હતો. આમ વિપક્ષે આ મુદે હવે અધ્યક્ષને નિશાન બનાવવાનું શરુ કરતા જ વિવાદ વધશે તે નિશ્ર્ચિત થઈ ગયું છે.