જામનગરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાનારી શિવ શોભાયાત્રા માટે એક નવું આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજીની છ ફૂટ ઊંચી, આશરે સાડા ત્રણ કિલો રજત મઢેલી ‘છડી’ બનાવવામાં આવી છે. આ ‘છડી’નું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ‘છડી’ને સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષ જોશી, જામનગર શહેર પ્રમુખ સુનિલ કનૈયા, શિવમ ગ્રુપના પી.ડી. રાયજાદા અને જાખરના અગ્રણી પી.એમ. જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી.

આગામી શિવરાત્રીના પર્વના દિવસે આ ‘છડી’ને આશુતોષ મહાદેવની પાલખીની સાથે શિવ શોભાયાત્રામાં જોડવામાં આવશે. આનાથી નગરજનોને તેના દર્શનનો લાભ મળશે અને શોભાયાત્રાનું આકર્ષણ વધશે.

