કચ્છ જિલ્લો શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અહીંથી રાજ્યના અન્ય સુપ્રસિદ્ધ યાત્રાધામોએ જવા ઈચ્છતા મુસાફરો માટે એસટી નિગમની સુવિધા અપૂરતી સાબિત થઈ રહી છે. ખાસ કરીને ભુજથી અંબાજી જવા કોઈ સીધી બસ ઉપલબ્ધ નથી.
મુસાફરોએ માંડવીથી ઉપડતી અને ભુજ થઈને જતી સ્લીપર બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રાત્રે 8 વાગ્યે ઉપડીને વહેલી સવારે 5.50 કલાકે અંબાજી પહોંચાડે છે. જોકે, દિવસ દરમિયાન મુન્દ્રાથી અંબાજી જવા માટે બે બસો છે, પરંતુ આ બસો ભુજને બદલે અંજાર થઈને જતી હોવાથી ભુજના યાત્રાળુઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
કષ્ટભંજન હનુમાન દાદાના ધામ સારંગપુર જવા માટે પણ ભુજથી માત્ર સવારે 8.15 કલાકે એક જ બસની સુવિધા છે, જે છેક સાંજે 7 વાગ્યે મુસાફરોને પહોંચાડે છે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મુસાફરોએ રાત્રિના સમયે અંજાર સુધી ધક્કો ખાવો પડે છે, જ્યાં માંડવીથી આવતી રાત્રે 11.45ની બસ મળે છે. ચોટીલા જતા માઈભક્તોની હાલત પણ આવી જ છે, કારણ કે તેમને પણ સારંગપુર જતી બસમાં જ મુસાફરી કરવી પડે છે,
બસ સમયસર હોય તો સાંજે 4.20 કલાકે ચોટીલા પહોંચાડે છે. ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતા બગદાણા જવા માટે તો કચ્છથી એક પણ સીધી બસ નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે કચ્છ જેવા વિકસિત જિલ્લામાં યાત્રાધામો માટે એક પણ વોલ્વો બસની સુવિધા નથી.
ખાનગી લક્ઝરી બસોમાં મોંઘા ભાડા ખર્ચીને જતા મુસાફરોને એસટી તરફથી મળતી સુવિધામાં નિરાશા સાંપડી રહી છે. લાંબા અંતરની મુસાફરીમાં આરામદાયક અને ઝડપી બસોના અભાવે વડીલો અને બાળકોને મુશ્કેલી પડે છે. પ્રવાસીઓની માંગ છે કે યાત્રાધામો માટે ભુજથી સીધી બસો તેમજ વોલ્વો સેવા શરૂ કરાય તો શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે.

