Gujarat

અમદાવાદ ગ્રામ્ય LCBએ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ ગ્રામ્ય LCB એ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે મોટરસાયકલ અને બે મોબાઇલ ફોન સહિત કુલ ₹53,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં વધતી મોટરસાયકલ ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં વધારો નોંધાયો હતો. આ ગુનાઓ અનડિટેક્ટ રહેતા, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુ.શ્રી વિધી ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ LCB ને વિશેષ કામગીરી સોંપવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયા (LCB) ના માર્ગદર્શન હેઠળ ASI દિલીપસિંહ પરમાર અને HC પૃથ્વીરાજસિંહ સિસોદિયાએ હ્યુમન સોર્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તેમણે આરોપી લલીતભાઈ ઉર્ફે લાલો અરજણભાઈ ભીમાભાઈ દેવીપુજક (ઉંમર 35) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી બે મોટરસાયકલ, જેની કિંમત ₹45,000 છે, અને બે મોબાઇલ ફોન, જેની કિંમત ₹8,000 છે, એમ કુલ ₹53,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી હાલ ધોળકા ખાતે રહે છે અને મૂળ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનો રહેવાસી છે.