Gujarat

ગુજરાત સ્ટેટ કમિશનનો ક્રાંતિકારી ચુકાદો

નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને વીમાકૃત ભેંસના મૃત્યુ બદલ ૮% વ્યાજ સાથે વળતર અને ૨૦,૦૦૦ ખર્ચ આપવા વીમા કંપનીને આદેશ

ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને ન્યાય આપતો ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી ચુકાદો આપ્યો છે. સોજીત્રા તાલુકાના જનકબેન એચ. મહિડાએ અમૂલ ડેરીમાં દૂધ ભરીને ગુજરાન ચલાવતી વખતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ૩૮,૦૦૦ની કેટર ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. વીમાકૃત ભેંસનું અચાનક ચકરી આવતાં મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ સમયે કાનમાં ટેગ (કડી) ન હોવાને કારણે વીમા કંપનીએ દાવો નકાર્યો હતો. આણંદ જિલ્લા ગ્રાહક કમિશને પણ પશુની ઓળખ સાબિત ન થતી હોવાનું કહીને ફરિયાદ રદ કરી હતી. જનકબેને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગુજરાત રાજ્ય કમિશનમાં અપીલ કરી હતી. ઇન્ચાર્જ પ્રમુખ આઇ. ડી. પટેલ અને મેમ્બર ડો. જે. જી. મેકવાને ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખીને આણંદ જિલ્લા કમિશનના તા. ૧૯.૦૧.૨૦૧૭ના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. કમિશને ઠરાવ્યું છે કે, ભેંસનું મૃત્યુ તા. ૧૬.૧૨.૨૦૧૫ના રોજ વહેલી સવારે થયું હતું અને આગલા દિવસે કાનની કડી નીકળી ગઈ હતી. ફરિયાદીએ તાત્કાલિક બેંકને જાણ કરી ફ્રેશ એરટેગ મેળવ્યું હતું, પરંતુ નવી કડી રીફિક્સ કરવાનો સમય ન મળ્યો. મૃત્યુ સમયે ટેગ ન હોવા છતાં એનિમલ હેલ્થ સર્ટિફિકેટ, દૂધ ઉત્પાદક સોસાયટીના સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓથી ભેંસની ઓળખ સાબિત થાય છે.

કમિશને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, ફરિયાદી ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર અને વિધવા મહિલા છે, જેનું પરિવારનું ભરણપોષણ ભેંસના દૂધ પર ર્નિભર છે. આણંદ જિલ્લા કમિશને કેસની હકીકતો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા વિના ફરિયાદ રદ કરી હતી. કમિશને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. ૩૮,૦૦૦ની વીમા રકમ વાર્ષિક ૮ ટકા વ્યાજ સાથે તેમજ અલગથી રૂ. ૨૦,૦૦૦ના ખર્ચા ચૂકવવા આદેશ આપ્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ ચુકાદાને ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી તરીકે યાદગાર તથા ક્રાંતિકારી ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, ૧૦ વર્ષની કાનૂની લડત બાદ આણંદ જિલ્લાની એક ગરીબ, નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને આખરે ન્યાય મળ્યો છે. અમૂલ ડેરીના ૩૬ લાખ પશુપાલકોના અમૂલ્ય પરિવારમાંથી એક ગરીબ મહિલાને ન્યાય મળ્યો હોવાનો સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં તેમણે આ ચુકાદાને પ્રશંસનીય ગણાવ્યો છે. આ ચુકાદો ગ્રામ્ય વિસ્તારના ર્નિબળ વર્ગના લોકો માટે આશાનું કિરણ બની રહેશે.