Gujarat

જામનગર મનપાનું ₹1854 કરોડનું બજેટ રજૂ

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1854.10 કરોડનું અંદાજપત્ર આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં કર-દરમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેષ કગથરાએ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બજેટ રજૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનરે અગાઉ આ અંદાજપત્રમાં રૂ. 9.10 કરોડના કર-દરમાં વધારો સૂચવ્યો હતો. જોકે, સ્થાયી સમિતિએ આ દરખાસ્તને નામંજૂર કરી હતી અને તેને સામાન્ય સભાના નિર્ણય માટે રજૂ કરી હતી.

વર્તમાન મહાનગરપાલિકા બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ તેમનું અંતિમ અંદાજપત્ર છે. આગામી એપ્રિલ-મે મહિનામાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ દ્વારા કર-દરમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી.

એવી શક્યતા છે કે, આગામી માર્ચ મહિનાના બીજા સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીનું વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ મનપા વહીવટદાર શાસન હેઠળ આવશે.