બોટાદના એક કૃષ્ણભક્તે પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને દ્વારકાધીશના દર્શને પદયાત્રા શરૂ કરી છે. આ ભક્ત આજે સવારે જામનગર જિલ્લામાં પહોંચ્યો હતો અને દ્વારકા તરફ પોતાનું પ્રયાણ ચાલુ રાખ્યું છે.

બોટાદના રહેવાસી સંજય રમેશભાઈ પડેલીયાએ પોતાના જીવનમાં સુધારા માટે દ્વારકાધીશની માનતા માની હતી. તેમની પરિસ્થિતિ સુધરતા, તેઓ આ માનતા પૂરી કરવા માટે બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની પદયાત્રા આંખે પાટા બાંધીને કરી રહ્યા છે.
સંજયભાઈએ સાત દિવસ પહેલા બોટાદથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તેઓ દરરોજ પોતાની પત્નીના સહારે પગપાળા ચાલીને જામનગર પહોંચ્યા છે. આજે તેમણે જામનગરથી દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. તેમનો લક્ષ્ય આગામી ચાર દિવસમાં દ્વારકાધીશના દર્શને પહોંચવાનો છે. આ પદયાત્રામાં અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ પણ ઉત્સાહભેર જોડાયા છે.

