સાણંદના નળ સરોવર રોડ પર આવેલ લક્ષમ્ણ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં રહેતા વૃદ્ધ દંપતી પ્રસંગમાં મકાન બંધ કરીને ગયા અને તકનો લાભ લઈને ચોરે મકાનમાંથી રોકડ રૂ.1.50 લાખ સહિત દાગીના મળી રૂ. 3.10 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મણપાર્ક સોસાયટીમાં આવેલ મકાન નં.13માં રહેતા 85 વર્ષીય શિવાભાઈ સુંદરભાઈ રાઠોડ (મૂળ રહે.હિરાપુર સાણંદ) તેના પત્ની સાથે રહે છે. ગત 18 ફેબ્રુઆરીએ તેઓને નરોડા ખાતે ભાણીબાના શ્રીમંતમા જવાનુ હોય હોવાથી પૌત્રની ફોરવ્હીલર ગાડીમાં ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીએ જાણ કરેલ કે, તમારા ઘરમા ચોરી થયેલ છે જેથી તેવો સાણંદ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાની બહાર આવેલ લોખંડની જાળીનો નકુચો તુટેલ હાલતમા હતો અને રૂમમા આવેલ લોખંડની તિજોરીનો સામાન વેરણ-છેરણ હાલતમાં પડેલ હતો.
અજાણ્યા ચોરે મકાનના લોખંડના કબાટમા મુકેલ રોકડ રૂ.1.50 લાખ, સોનાની રૂદ્રાક્ષવાળી માળા, સોનાનુ ઓમવાળુ પેંડલ, સોનાની મગ માળા, સોનાની બે નંગ બંગડી, સોનાનું કડુ, સોનાની બે જોડી, ચાંદીના ત્રણ જોડી છડા મળી કુલ રૂ.3.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા.

