Gujarat

બે દેહવ્યાપારના ગુનામાં વર્ષથી વોન્ટેડ શેખર સાળુંકે ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રાંદેર પાલનપુર પાટીયા પાસેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું સામ્રાજ્ય આરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઉભી કરી હતી. તે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટીયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જોકે, આ ભંગારનો વ્યવસાય માત્ર એક મહોરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. ભંગાર લેવા-વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.

સ્પાના નામે દેહવ્યાપારના નાણાં વસૂલતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાતિર રીતે નાણાકીય વ્યવહારો કરતો હતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે ‘સ્પા’નો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મહિધરપુરામાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહવ્યાપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો.