Gujarat

જૂનાગઢ-ચલાલા વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે મુસાફરોની સેવામાં ઉપલબ્ધ રહેશે.

ટ્રેનનું સમયપત્રક અને રૂટ – વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 10:40 વાગ્યે ઉપડશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા પહોંચશે. પરતમાં આ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે રવાના થઈ સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ પરત ફરશે.

મુખ્ય સ્ટોપેજ અને અપીલ – આ ટ્રેન તેના રૂટ દરમિયાન તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ વિસ્તારના મુસાફરોને આ નવી રેલ સેવાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે. આ નવી ટ્રેન શરૂ થવાથી સ્થાનિક મુસાફરો અને વેપારીઓ માટે અવરજવર વધુ સરળ બનશે.