જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) ખાતે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ બે દિવસીય ‘પાંડુલિપિ કૌશલ્યમ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે પ્રાચીન હસ્તપ્રતો અને લિપિઓના અભ્યાસ પર કેન્દ્રિત રહેશે. ITRA, જે દેશની પ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા છે, તેની લાઇબ્રેરીમાં 7350 મૂળ હસ્તપ્રતો સુરક્ષિત છે, જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને આયુર્વેદના જ્ઞાનનો ભંડાર છે. નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન, ભારત સરકારના ડાયરેક્ટર ડૉ. અવિનિર્માણ દાસ પણ આ વર્કશોપમાં જ્ઞાન આપશે.

ITRAના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે, આ વર્કશોપમાં સમ્રાટ અશોકના સમયની (ઈ.સ. પૂર્વે 300 વર્ષ પહેલાં) બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિઓ સહિત દેવનાગરી અને શારદા જેવી વિવિધ પ્રાચીન લિપિઓ વિશે માહિતી આપવામાં આવશે. 30 આયુર્વેદના વિદ્યાર્થીઓને લિપિ શૈલીનો અભ્યાસ, તેને ઉકેલવાની પદ્ધતિઓ, સંરક્ષણ, જાળવણી, લેખન પદ્ધતિઓ અને સંશોધન જેવી બાબતો શીખવવામાં આવશે. આયુર્વેદના સંદર્ભમાં તેના ઉપયોગ પર પણ જીવંત અભ્યાસ કરાવવામાં આવશે. આ વર્કશોપમાં ઓનલાઈન માધ્યમથી પણ અભ્યાસુઓ જોડાઈ શકશે.

ITRAના લાઇબ્રેરિયન પ્રો. વીરેન્દ્ર કોરીએ માહિતી આપી કે સંસ્થામાં કુલ 7350 હસ્તપ્રતો સારી સ્થિતિમાં સચવાયેલી છે. આ સંગ્રહમાં 515 આયુર્વેદિક હસ્તપ્રતો, શારદા અને ભોજપત્ર પર લખાયેલી ગીતા, તિબેટીયન ભાષામાં કાપડ પર લખેલું સાહિત્ય અને દક્ષિણ ભારતમાંથી પ્રાપ્ત થયેલા તાળપત્ર તથા ભોજપત્ર પરની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ હસ્તપ્રતો વ્યાકરણ, વેદ, ધાતુવાદ અને જ્યોતિષશાસ્ત્ર જેવા 18 વિવિધ વિષયોમાં વિભાજિત છે.

