Gujarat

અમદાવાદમાં રમાતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી દરોડા

આંતરરાષ્ટ્રીય T-20 વર્લ્ડ કપની મેચમાં કરોડો રૂપિયાના સટ્ટા રમવા સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડો પાડી બે સાઢુભાઈને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. ઉપરાંત ત્રણ માસ્ટર કાર્ડમાં લાખો રૂપિયાનું બેલેન્સ પણ મળી આવ્યું હતું. જ્યારે તેમની સાથે સંકળાયેલા ગ્રાહકો અને બુકીઓ મળી કુલ 46 લોકોની વિગતો મળતાં તેમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સટ્ટાના પૈસા સંબંધીઓ-પાડીશોઓના ખાતામાં નાખતા વેપાર ધંધામાં નુકસાન જતાં છેલ્લા 8 મહિનાથી ક્રિકેટ સટ્ટાના ધંધાની શરૂઆત કરી હતી. જેમાં પોતાના સાઢુભાઈને પણ આર્થિક સંકળામણ પડતી હોવાથી સાથે રાખ્યા હતા. બંને સાઢુભાઈઓએ ભેગા થઈને વર્લ્ડ કપની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા હતા.

ક્રિકેટ સટ્ટાના હવાલાના પૈસા સગા-સંબંધીઓ અને આડોશ-પાડોશના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું પણ ખુલ્યું છે. અમદાવાદ શહેર પોલીસની પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતની સ્થાનિક એજન્સીઓ અને સ્થાનિક પોલીસની જાણ બહાર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે SMCએ રેડ પાડી અમદાવાદમાં બુકીઓ કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા રમાડ્યા હોય છે, ત્યારે વર્લ્ડ કપની ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પર ઓનલાઇન સટ્ટો નિકોલમાં રમાડાતો હોવાની માહિતી રાજ્ય પોલીસ વડાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણને મળી હતી. નિકોલ વિસ્તારમાં સૃષ્ટિ લિવિસ એપાર્ટમેન્ટમાં રેડ પાડી ઓનલાઇન સટ્ટો રમાડતા બે બુકીઓ વિજયકુમાર વલ્લભભાઈ કારડાણી (રહે. નિકોલ, સૃષ્ટિ એપાર્ટમેન્ટ, અમદાવાદ) અને રમેશ રામજીભાઈ ગોધાસરા (રહે. કામરેજ, સુરત)ને ઝડપી લીધા હતા.