ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભાજપા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન સમારોહ અને મહિલા સંમેલન યોજાયું
માતા એક એવું વ્યક્તિત્વ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના સંતાનો માટે જીવે છે – શ્રી જગદીશ વિશ્વકર્મા
રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપા મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન સમારોહ તથા મહિલા સંમેલન પુનિત હોલ, ડાકોર ખાતે યોજાયું હતું. આ પૂર્વે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોર ખાતે દર્શન કરી સર્વેની સુખાકારી અને મંગલ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
મહિલા સંમેલનમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જય રણછોડના નાદ સાથે તેમના ઉદ્બોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા‘ એટલે કે જ્યાં નારીનું સન્માન અને પૂજન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિમાં મહિલાઓને મા દુર્ગા, મા જગદંબા, મા ભગવતી, મા સરસ્વતી અને મા લક્ષ્મી તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આસુરી શક્તિઓએ માથું ઊંચક્યું છે, ત્યારે દેવી શક્તિઓએ જ તેમનો સંહાર કર્યો છે. શિવાજી મહારાજને સંસ્કાર આપનારા રાજમાતા જીજાબાઈ હોય કે પવિત્રતાનું ઉત્તમ ઉદાહરણ માતા સીતાજી હોય, મહિલાઓના ગુણોના દાખલા યુગો સુધી અપાતા રહેશે. ભક્ત શિરોમણી મીરાબાઈની ભક્તિ આજે પણ અવિસ્મરણીય છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, મહિલાઓમાં અદભૂત કાર્યશક્તિ અને મેનેજમેન્ટનું કૌશલ્ય હોય છે. પરિવારમાં માતા એક એવું વ્યક્તિત્વ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના સંતાનો માટે જીવે છે અને ઈચ્છે છે કે તેના સંતાનો કુળનું નામ રોશન કરે. એક મુખ્યમંત્રી તરીકે દિકરીની આંગણી પકડીને સ્કુલ ભણાવવા મોકલવાનો સિલસિલો શ્રી નરેન્દ્રભાઇ મોદી એ શરૂ કર્યો હતો જે આજે પણ ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આજે પણ ચાલુ છે. એક દીકરીને ભણાવવાથી ત્રણ ઘર તરે છે તે બાબતને સાર્થક કરતા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કાર્ય શરૂ કર્યું છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને યોગ્ય પોષણ સુધીની જવાબદારી ભાજપા સરકાર નિભાવી રહી છે. ગુજરાતમાં દીકરી ગર્ભમાં હોય ત્યારથી તેની સારસંભાળની ચિંતા રાજ્ય સરકાર કરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ના માર્ગદર્શન હેઠળ ‘નમો સરસ્વતી‘ અને ‘નમો લક્ષ્મી‘ જેવી યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મૂર્મુજી પ્રત્યે દાખવવામાં આવેલી ગેરશિસ્ત, પ્રોટોકોલના ભંગ અને અપમાનની ઘટના અંગે નિંદા અને વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મહિલાઓનું સન્માન ન કરનારાઓનું પતન નિશ્ચિત છે. જે મહિલાઓનું સન્માન નથી કરતા તેમનું “ધનોત પનોત નીકળતા ક્યારેય વાર નથી લાગતી.” તેમણે વડોદરાની દીકરી સોફિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના સૈનિકોએ જ્યારે ‘ઓપરેશન સિંદૂર‘ પાર પાડ્યું ત્યારે તેની પ્રેસ કોન્ફરન્સ આ દીકરીએ કરી હતી, જે ગુજરાતની નારીશક્તિનું ગૌરવ છે.
આર્થિક ક્ષેત્રે મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે અમુલ ડેરી ૧ લાખ કરોડના ટર્નઓવર સાથે વિશ્વમાં ડંકો વગાડી રહી છે. લિજ્જત પાપડ જેવી સહકારી સંસ્થા ૪૦ હજાર મહિલાઓને રોજગારી આપે છે અને ૨૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. ઉત્તરસંડાના મઠિયા અને ચોળાફળી આજે દેશ-વિદેશના ઘરે-ઘરે પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રીએ મહિલાઓને ‘લખપતિ દીદી‘ અને ‘નમો ડ્રોન દીદી‘ જેવી યોજનાઓ દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એક મહિલા તરીકે દેશના નાણા મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણના હાથમાં દેશની તિજાેરીની ચાવી હોવી એ મહિલાઓના ઉત્તમ મેનેજમેન્ટનું ઉદાહરણ છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે વિશિષ્ટ કાર્ય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન કરી તેઓના યોગદાનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી રમણભાઈ સોલંકી, શ્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રીઓ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રભારીશ્રી રમેશભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી નયનાબેન પટેલ સહિત સ્થાનિક સંગઠન અને ચુંટાયેલ પાંખના ભાજપા પદાધિકારીઓ, ભાજપા આગેવાનો અને અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.

